અકસ્માતમાં વધુ એક બ્રેઈન ડેડ : અંગદાન

સુરત :

*વિશ્વ અંગદાન દિવસે સુરત થી ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું.*  

*કમલેશભાઈ દગાભાઈ પાટીલ ઉ.વ ૪૭ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી કમલેશભાઈના લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.*

*લિવર અને બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.*

*ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર પચાસ થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.*

*બનાવની વિગત:* 

મૂળ નંદુરબાર મહારાષ્ટ્રના રહેવાસી અને હાલ સી-૩૬, શિવસાઈ શક્તિ સોસાયટી માધવ કોમ્પ્લેક્ષની નજીક, ડિંડોલી, સુરત ખાતે રહેતા અને ઉધના ત્રણ રસ્તા પાસે ઓમ સાઈ મિસળ પાઉં સેન્ટર નામની લારી ચલાવતા કમલેશભાઈ તા. ૧૦ઓગસ્ટ ના રોજ નંદુરબાર મહારાષ્ટ્રમાં રહેતા તેમના મામાને ત્યાં દસમાંની વિધિમાં ગયા હતા. નંદુરબાર મહારાષ્ટ્રથી પરત સુરત આવતા રસ્તામાં ગાડી પરથી પડી ગયા હતા. અજાણ્યા વ્યક્તિએ તેમને તાત્કાલિક નંદુરબારમાં આવેલ સિવિલ હોસ્પીટલમાં અને ત્યારબાદ સ્મિત હોસ્પિટલમાં દાખલ કર્યા.તા. ૧૧ ઓગસ્ટના રોજ તેમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરી  સારવાર શરૂ કરવામાં આવી, નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

૧૨ ઓગસ્ટ ના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીનાફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે કમલેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા.

ડૉ. મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કમલેશના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટલાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલપંચાલની સાથે રહી કમલેશભાઈના ભાઈપ્રકાશભાઈ, જમાઈ સુરેશભાઈ, મામા જીતેન્દ્રભાઈ, બનેવી બાબુલાલભાઈને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

કમલેશનાભાઈ અને પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે આ એક ઈશ્વરીય કાર્ય છે, મૃત્યુ પામ્યા પછી શરીર તો રાખ જ થઇ જવાનું છે, તેના કરતા અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાનાદર્દીઓને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ કોઈ દાન ન હોય શકે. એમ કહી તેઓએ કમલેશભાઈના અંગદાન કરવાની સંમતી આપી. કમલેશભાઈના પરિવારમાં તેમની માતા જીજાબેન, પત્ની નિર્મલાબેન, ભાઈ પ્રકાશ છે. તેને એક પુત્ર અને બે પુત્રી છે. એક પુત્ર અક્ષય ઉ.વ ૧૮ ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે, બે પુત્રીઓ પૈકી એક પુત્રી પુનમ ઉ.વ ૨૪ જે પરણિત છે, અને બીજી પુત્રી રોહિણી ઉ.વ ૨૧ છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.

લિવરનું દાન કિરણ હોસ્પીટલના ડૉ. રવિ મોહન્કા અને તેમની ટીમે, કિડનીનું દાન ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ. ધર્મેશ નામા અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન કિરણ હોસ્પિટલના ડૉ. સંકિત શાહે સ્વીકાર્યું.

ડૉ. કલ્પેશ ગોહિલ અને તેમની ટીમ દ્વારા, દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી, ઉ.વ. ૬૨ વ્યક્તિમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી, ઉ.વ.૪૧ વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ. કમલેશભાઈ દગાભાઈ પાટીલ ઉ.વ. ૪૭ ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં કમલેશભાઈના માતા જીજાબેન, પત્ની નિર્મલાબેન, ભાઈ પ્રકાશ, જમાઈ સુરેશભાઈ, મામા જીતેન્દ્રભાઈ, કમલેશભાઈના બનેવી બાબુલાલભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીનાફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ, ડૉ. ભાવિન લશ્કરી મેડિકલ ઓફિસર, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ. અલ્પા પટેલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર આસીસ્ટન્ટ જગદીશભાઈ સિંધવ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, ટ્રસ્ટી હેમંતભાઈ દેસાઈ, સિધ્ધી શાહ, યોગેશભાઈ ઢબુવાલા, જીગ્નેશભાઈ ઘીવાલા, મોન્ટુ જીનવાલા, દક્ષેશ ખાટીવાલા, નિહીર પ્રજાપતિ, નિકસન ભટ્ટનો સહકાર સાંપડ્યો હતો.