રમતાં રમતાં માસૂમ આરવ પહેલા માળેથી નીચે પડ્યો અને..

રાજકોટ :


*સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૧૭મી અને નાના આંતરડાના દાનની પ્રથમ ઘટના*

*ડોનેટ લાઈફ દ્વારા સુરતથી એક જ દિવસે બે અંગદાન એઈમ્સ હોસ્પિટલ અને કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યા.*

*લેઉવા પટેલ સમાજના બ્રેઈનડેડ આરવ નયનભાઈ અંટાળા ઉ.વ ૯ના પરિવારે આરવના ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓ તેમજ ચૌધરી સમાજના બ્રેઈનડેડ નવીનભાઈ નાનુભાઈ ચૌધરી ઉ.વ ૫૩ના પરિવારે નવીનભાઈના નાના આંતરડા, લિવર અને કિડનીઓનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરી દસ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.*

*ચેન્નાઈનું ૧૬૦૨ કિલોમીટરનું અંતર ૨૦૦ મીનીટમાં હવાઈ માર્ગે કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરા, ગુજરાતની રહેવાસી ૫૫ વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.*


*ફેફસાને કોમર્શીયલ વિમાન મારફત હવાઈ માર્ગે ચેન્નાઈ પહોચાડવા માટે ઈન્ડીગો વિમાનના ઉડાનને મોડું કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય, સિવિલ એવિએશન મંત્રાલય NOTTO, સુરત એરપોર્ટ ઓથોરીટી, ઈન્ડીગો એરલાઈન્સ અને CISFનો સહકાર સાંપડ્યો હતો.*

*મુંબઈનું ૨૯૨ કિલોમીટરનું અંતર ૧૧૦ મીનીટમાં હવાઈ માર્ગે કાપીને દાનમાં મેળવવામાં આવેલા નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ બાંગ્લાદેશના રહેવાસી ૨૯ વર્ષીય યુવકમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.*

*ફેફસા, લિવર, કિડની ચેન્નાઈ અને અમદાવાદ સમયસર પહોચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા.*

*ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજારથી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપવામાં સફળતા મળી છે.*

*ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.*


*બનાવની વિગત ૧:*

મૂળ પુરબીયા શેરી, ગામ ધારી, તા ધારી, જી. અમરેલી. અને હાલમાં ૩૮, યોગીદર્શન સોસાયટી, ગેટ નં ૩, યોગીચોક, સુરત. ખાતે રહેતા અને કિરણ જેમ્સમાં રત્નકલાકાર તરીકે કાર્ય કરતા નયનભાઈ ૧૮ એપ્રિલના રોજ બે દિવસ માટે તેમના પરિવાર અને મિત્રો સાથે વાવ ગામમાં આવેલ સ્કાય વ્યુ ફામમાં પીકનીક માટે ગયા હતા. ૧૯ એપ્રિલના રોજ સાંજે ૪:૦૦ કલાકે બાળકો રમતા હતા ત્યારે તેમનો નવ વર્ષીય પુત્ર આરવ પહેલા માળેથી અકસ્માતે નીચે પડી જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક કામરેજમાં આવેલ વાત્સલ્ય હોસ્પીટલમાં દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજમાં ફેકચર અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયુ હતું. પરિવારજનોએ તેને વધુ સારવાર માટે એઈમ્સ સુપરસ્પેશીયાલીટી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. હિતેશ ચિત્રોડાની સારવાર હેઠળ દાખલ કર્યો. ન્યુરોસર્જન ડૉ. હિતેશ ચિત્રોડાએ ક્રેન્યાટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દુર કર્યો હતો. 

તા. ૨૨ એપ્રિલના રોજ ન્યુરોસર્જન ડૉ. મૌલીક પટેલ, ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. ડેનીસ પટેલ, ડૉ. રાજેશ રામાણી, કાર્ડિયોલોજીસ્ટ ડો. રીતેશ વેકરીયાએ આરવને બ્રેઈનડેડ જાહેર કર્યો.

કાર્ડિયોલોજીસ્ટ ડૉ.ચતુર ડોબરીયાએ ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી આરવના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી આરવના પિતા નયનભાઈ, માતા કિરણબેન, કાકા હિતેશભાઈ, નિકુંજભાઈ, મામા જયેશભાઈ, આરવના પિતા નયનભાઈના મિત્રો દિપકભાઈ, અશોકભાઈ, પરેશભાઈ, ડૉ. જય રૈયાણી તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. 

આરવના પિતા નયનભાઈએ હૃદય ઉપર પત્થર મુકી રડમસ અવાજે કહ્યું કે, દેશમાં ઘણા બધાં નાના બાળકોને અંગોની જરૂરિયાત હોય છે. મારો દિકરો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર રાખ જ થઇ જવાનું છે ત્યારે મારા  વ્હાલસોયા નવ વર્ષીય પુત્રના બધા જ અંગો જેવા કે હૃદય, ફેફસા, સ્વાદુપિંડ, નાનું આતરડું, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાવી તેના જેવા જ બાળકોને નવજીવન આપવા માટે આપ આગળ વધો. આરવ જે.બી કાર્પ વિદ્યાસંકુલમાં ધોરણ ૪માં અભ્યાસ કરતો હતો. આરવના પિતા નયનભાઈ કિરણ જેમ્સમાં રત્ન કલાકાર તરીકે કાર્ય કરે છે, માતા કિરણબેન ગૃહિણી છે. બહેન પ્રિયા ઉ.વ ૧૫ જે.બી કાર્પ વિદ્યાસંકુલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે.  


*બનાવની વિગત ૨:*

પો. આંબાવાડી તા. માંગરોળ જીલ્લો. સુરત મુકામે રહેતા નવીનભાઈ નાનુભાઈ ચૌધરી ઉ.વ ૫૩ ડ્રાઈવર તરીકે ફરજ  બજાવતા હતા. તા. ૨૦ એપ્રિલના રોજ નવીનભાઈ સાંજે ૭:૩૦ કલાકે મોસાલી ચોકડી પાસે આવેલ બસ સ્ટેન્ડ પાસે ચાલતા જતા હતા તે સમયે એક બાઈક સવારે તેમને ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઇજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને માંગરોળમાં આવેલ સરકારી હોસ્પીટલમાં દાખલ કરી, પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ વધુ સારવાર માટે તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ડૉ. ભૌમિક ઠાકોરે કેન્યોટોમી કરી મગજમાં જામેલો  લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. 

તા. ૨૩ એપ્રિલના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે નવીનભાઈને બ્રેનડેડ જાહેર કર્યા.

ડૉ. મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી નવીનભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ. મેહુલ પંચાલ અને ડૉ. દર્શન ત્રિવેદી સાથે રહી નવીનભાઈના પુત્ર નિરલ, ભાણેજ અવિચલ અને સિદ્ધાંત મોટાભાઈ અશ્વિનભાઈ અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. 

નવીનભાઈના પુત્ર નિરલે જણાવ્યું કે અમે સામાન્ય પરિવારના છીએ જીવનમાં કોઈ ચીજવસ્તુઓનું દાન કરી શકીએ તેમ નથી. મારા પપ્પા બ્રેઈનડેડ છે, તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીને નવજીવન આપવા માટે આપ આગળ વધો. પુત્ર નિરલે તેમના પિતાના લિવર, કિડની અને નાના આંતરડાનું દાન કરાવવાની સંમતી આપી.

બંને પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બે લિવર માંથી એક લિવર અમદાવાદની કે.ડી હોસ્પિટલ અને બીજુ લિવર સુરતની કિરણ હોસ્પિટલને, ચાર કિડની માંથી બે કિડની અમદાવાદની IKDRCને, બીજી બે કિડની સુરત ની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવી. NOTTO દ્વારા હૃદય અને ફેફસા ચેન્નાઈની MGM હોસ્પિટલને સ્વાદુપિંડ અને બે આંતરડા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા.

ફેફસાનું દાન ચેન્નાઈની MGM હોસ્પીટલના ડૉ. રામ, આંતરડાનું દાન મુંબઈની ગ્લોબલ હોસ્પીટલના ડો. આદિત્ય નાણાવટી, બે લિવર માંથી એક લિવરનું દાન અમદાવાદની કે.ડી હોસ્પીટલના ડૉ. અમિત શાહ, બીજા લિવરનું દાન સુરતની કિરણ હોસ્પિટલના ડૉ. ધર્મેશ ધાનાણી, ડૉ. પ્રશાંથ રાવ, ચાર કિડની માંથી બે કિડનીનું દાન અમદાવાદની કે.ડી હોસ્પીટલના ડૉ. હાર્દિક યાદવ, બીજી બે કિડનીનું દાન સુરતની કિરણ હોસ્પીટલના ડૉ.મુકેશ આહીર, ડૉ. પ્રમોદ પટેલ અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. 

આરવ ના હૃદય, સ્વાદુપિંડ અને નાના આંતરડા ખરાબ થઇ ગયા હોવા ને કારણે ડોક્ટરોની ટીમ દ્વારા તેનું દાન સ્વીકારવામા આવ્યું ન હતું 

ચેન્નાઈની MGM હોસ્પીટલનું ૧૬૦૨ કિલોમીટરનું અંતર હવાઈ માર્ગે ૨૦૦ મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરા, ગુજરાતની રહેવાસી ૫૫ વર્ષીય મહિલામાં ચેન્નાઈની MGM હોસ્પીટલમાં ડૉ. બાલાક્રિશ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ફેફસાને કોમર્શીયલ વિમાન મારફત હવાઈ માર્ગે ચેન્નાઈ પહોચાડવા માટે ઈન્ડીગો વિમાનના ઉડાનને મોડું કરવામાં આવ્યું હતું જેમાં ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય, સિવિલ એવિએશન મંત્રાલય, NOTTO, સુરત એરપોર્ટ ઓથોરીટી, ઈન્ડીગો એરલાઈન્સ અને CISFનો સહકાર સાંપડ્યો હતો.

મુંબઈની ગ્લોબલ હોસ્પીટલનું ૨૯૨ કિલોમીટરનું અંતર હવાઈ માર્ગે ૧૧૦ મિનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ બાંગ્લાદેશના રહેવાસી ૨૯ વર્ષીય યુવકમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં ડૉ. ગૌરવ ચૌબલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. 

દાનમાં મેળવવામાં આવેલા બે લિવર માંથી એક લિવરનું નું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી ઉ.વ. ૪૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની કે.ડી હોસ્પીટલમાં, અને બીજા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જામનગરના રહેવાસી ઉ.વ. ૬૪ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. 

દાનમાં મેળવવામાં આવેલી ચાર કિડનીમાંથી બે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં સુરતની રહેવાસી ૮ વર્ષીય બાળકીમાં અને ભાવનગરના રહેવાસી ૧૪ વર્ષીય બાળકમાં જયારે બીજી બે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પીટલમાં સુરતના રહેવાસી ઉ.વ ૫૮ વર્ષીયમાં વ્યક્તિમાં અને સુરતની રહેવાસી ઉ.વ ૨૮ વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે.

ફેફસા, લિવર અને કિડની સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી ૯૬ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાન કરાવવાની સત્તરમી અને નાનું આંતરડા નું દાન કરાવવાની આ પ્રથમ ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ જેવા અંગો દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, સુદાન અને બાંગ્લાદેશ દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન આપનાર પુણ્યનિષ્ઠ સ્વ. આરવ નયનભાઈ અંટાળા અને સ્વ. નવીનભાઈ નાનુભાઈ ચૌધરીની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. 

બંને અંગદાન મેળવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.