જૈન પરિવારના અંગદાનથી 5 પરિવારના જીવનમાં ઉજાસ

જૈન સમાજના બ્રેઈનડેડ પવન મહાવીર જૈનના  કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી

*

મૂળ ગામ ઢુમાની બજાર, જીલ્લો-બર્ધમાન, પશ્ચિમ બંગાળના રહેવાસી અને હાલ સુરત વિધાતાનગર સોસાયટી, ભૈયાનગર, પુણાગામ ખાતે રહેતા પવન મહાવીર જૈન ગુરુવાર તા.૨૬ મેં ના રોજ સવારે નાસ્તો કરી બેઠા હતા ત્યારે બ્લડપ્રેસર વધી જવાથી અને ઉલટીઓ થતા તેઓ બેભાન થઇ ગયા હતા. પરિવારજનોએ તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ વધુ સારવાર માટે તેમને કિરણ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.  

શુક્રવાર, તા.૨૭ મે ના રોજ ન્યુરોફીસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.દર્શન ત્રિવેદી, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે પવનભાઈને બ્રેનડેડ જાહેર કરતા કિરણ હોસ્પીટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી પવનભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.                                                    ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ.મેહુલ પંચાલ સાથે રહી પવનભાઈના પુત્ર દીપક, જમાઈ વિકાસ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. 

પવનભાઈના પુત્ર દીપકે જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાનના સમાચારો વાંચતા હતા ત્યારે અમે વિચારતા કે આ એક ઈશ્વરીય કાર્ય છે. આજે જયારે મારા પિતાજી બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જાય તેના કરતા તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન મળતું હોય તો અંગદાન કરાવવા માટે આપ આગળ વધો. પવનભાઈના પરિવારમાં તેમની પત્ની પુષ્પા ૬૫ વર્ષની, પુત્ર દીપક ૪0 વર્ષનો, બે પુત્રીઓ પૂજા ૩૯ વર્ષની અને  પ્રીતિ ૩૭ વર્ષની છે.

SOTTO દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા. બંને કિડનીઓનું દાન સુરતની કિરણ હોસ્પીટલના ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે સ્વીકાર્યું, લિવરનું દાન ડો. ધનેશ ધનાણી, ડો.મિતુલ શાહ, ડો.પ્રશાંથ રાવ અને તેમની ટીમે સ્વીકાર્યું જયારે ચક્ષુઓનું દાન કિરણ હોસ્પીટલના ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની માંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વાલીયા, ભરૂચના રહેવાસી ૨૨ વર્ષીય યુવાનમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી ૨૮ વર્ષીય યુવતીમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૫૩ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. જયારે બંને ચક્ષુઓ માંથી એક ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ ૬૮ વર્ષીય મહિલામાં, બીજા ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ ૫૪ વર્ષીય વ્યક્તિમાં કિરણ હોસ્પિટલમાં ડૉ.સંકીત શાહ દ્વારા કરવામાં આવ્યું છે.