અંગદાન ક્ષેત્રે ઐતિહાસિક ઘટના : 1001 અંગો, ટીસ્યુનું દાન, શ્રેય 'ડોનેટ લાઈફ'

સુરત  :

સમગ્ર દેશમાં એક સંસ્થા દ્વારા ૧૦૦૧ અંગો અને ટીસ્યુઓના દાન કરાવવામાં આવ્યા હોય તેવી સૌ પ્રથમ ઐતિહાસિક ઘટના છે, જેનો શ્રેય સુરત અને દક્ષિણ ગુજરાતના તમામ અંગદાતા પરિવારજનો, સુરત અને દક્ષીણ ગુજરાતના ડોકટરો, હોસ્પિટલોના સંચાલકો અને સ્ટાફ, સુરત નવી સિવિલ હોસ્પિટલ, સુરત કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત શહેર પોલીસ, ગુજરાત પોલીસ,સુરત એરપોર્ટ ઓથોરીટી, પ્રેસ અને ઈલેક્ટ્રોનિક મીડિયા તેમજ 'ડોનેટ લાઈફ' ના સ્વયંસેવકોને જાય છે. 

સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાળા જણાવે છે કે સુરતે આજે અંગદાનના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. સત્તર વર્ષ પહેલા ગુજરાતમાં અંગદાન પ્રવૃત્તિનું બીજ વાવનાર નિલેશભાઈ માંડલેવાળાની વર્ષોની તપશ્ચર્યા અને તેમની ટીમની નિશ્વાર્થ સેવાની ભાવનાથી આજે સમગ્ર ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિ વિશાળ વટવૃક્ષ બનીને સેંકડો દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મેળવી રહી છે.