ટ્રાફિક નિયમ પાલન કરનારને પતંગની ભેટ

રાજકોટ :

*સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત ટ્રાફિક જાગૃતિના કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ડોનેટ લાઈફ દ્વારા અંગદાન-જીવનદાનના સંદેશા લખેલા પતંગોનું વિતરણ કરી અંગદાન અંગેની જનજાગૃતિ ફેલાવવામાં આવી.*

************


દરેક વ્યક્તિનું જીવન ખુબજ કીમતી છે. દેશમાં દર વર્ષે દોઢ લાખથી વધુ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આવા અકસ્માતો બનતા અટકે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત પણે લોકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. આવાજ કાર્યક્રમના ભાગ રૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જુદા-જુદા સ્થળોએ ટ્રાફિક જાગૃતિ માટેની એક ઝુંબેશ રાખવામા આવી હતી જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકને ગુજરાતમાં અંગદાન અંગેની જનજાગૃતિનું કાર્ય કરતી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાન-જીવનદાનના સંદેશા લખેલા પાંચ હજારથી વધુ પતંગોનું વિતરણ કરી સમાજમાં અંગદાન અંગેની જનજાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

ડોનેટ લાઈફ દ્વારા દાનમાં મેળવવામાં આવેલા ૩૯ હૃદય, ૧૩ જોડ ફેફસાં અને બે હાથ સુરત એરપોર્ટથી દેશના જુદા-જુદા શહેરોમાં ચાર્ટર કે કોમર્શીયલ વિમાન મારફત મોકલવામાં આવ્યા છે. જેમાં સુરત એરપોર્ટ ઓથોરીટીના ડીરેક્ટર શ્રીમતી અમન સૈની તેમજ તેમના સમગ્ર સ્ટાફનો ખુબજ સહકાર મળ્યો છે. અંગદાનની જનજાગૃતિ માટે અંગદાન-જીવનદાનના સંદેશ લખેલા પતંગોનું વિતરણ સુરત એરપોર્ટ ઓથોરીટીને કરવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ ઓથોરીટી દ્વારા સુરતથી વિમાન મારફત બહાર જતા અને બહારથી વિમાન મારફત આવતા મુસાફરોમાં અંગદાન-જીવનદાનનો સંદેશ પહોંચે તે માટે આ પતંગો એરપોર્ટ લગાડવામાં આવ્યા છે તેમજ આવતી કાલે બહારથી આવતા મુસાફરોને અંગદાન-જીવનદાનના સંદેશ લખેલા પતંગોનું વિતરણ કરવામાં આવશે. 

ડોનેટ લાઈફ દ્વારા દર વર્ષે “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ” નું આયોજન કરવામાં આવે છે પરંતુ કોરોનાની મહામારીને કારણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જાહેર કાર્યક્રમનું આયોજન ના કરતા અંગદાન જીવનદાનના સંદેશ લખેલા એક લાખ પતંગોનું વિતરણ મુંબઈ સહીત ગુજરાતના જુદા-જુદા શહેરોમાં કરી પતંગના માધ્યમથી અંગદાન-જીવનદાનનો સંદેશો મકરસંક્રાંતિના દિવસે પાંચ લાખ લોકો સુધી ફેલાવવામાં આવશે. ડોનેટ લાઈફ દ્વારા કુલ ૯૮૧ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૯૮ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

આ કાર્યક્રમ સુરત શહેર ડેપ્યુટી પોલીસ કમિશ્નર ટ્રાફિક પ્રશાંત સુંબે સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ રિજીયનના મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીઓ, પોલીસ ઈન્સ્પેકટરશ્રીઓ, પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રીઓ તેમજ ડોનેટ લાઈફના સીઇઓ નીરવ માંડલેવાળા, બિરજુભાઇ મંધાણી, ભુપેન્દ્રભાઈ હલવાવાળા સહિત ડોનેટ લાઈફના સ્વયં સેવકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.