જય હો : આભને આંબતી અંગદાન જનજાગૃતિ

રાજકોટ :

“ડોનેટ લાઈફ દ્વારા અંગદાનની જનજાગૃતિ માટે “અંગદાન-જીવનદાનના” સંદેશા સાથેના પતંગોનું વિતરણ કરવામાં આવશે.”


ડોનેટ લાઈફ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવી અને બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન માટે સમજાવી તેઓના અંગોનું દાન કરાવી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટેનો છે.

ડોનેટ લાઈફ અંગદાનની જનજાગૃતિ માટે ૨૪*૭=૩૬૫ દિવસ સેમીનાર, વર્કશોપ, વોકાથોન, એક્ઝિબિશન, પતંગોત્સવ તેમજ ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરીને સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. 

એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ત્યારે રાજ્યમાં અંગદાન માટે જનજાગૃતિ લાવવાનું કાર્ય કરતી અને સમગ્ર રાજ્યમાં અંગદાન કરાવવામાં અગ્રેસર સુરતની ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સમાજમાં અંગદાન પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે તે માટે અંગદાન-જીવનદાનના સંદેશા સાથેના પતંગોનું વિતરણ સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન અને ઓમ ઈન્સ્યોરન્સ બ્રોકર્સ પ્રા.લી.ના સહયોગથી સુરત સહીત ગુજરાતના જુદા-જુદા શહેરોમાં કરવામાં આવનાર છે. ડોનેટ લાઈફનો ઉદ્દેશ પતંગના માધ્યમથી સમાજમાં અંગદાન જીવનદાનનો સંદેશો ફેલાવવાનો છે. જે વ્યક્તિ પતંગ ઉડાવે છે તે પતંગ પર લખેલો અંગદાનનો સંદેશો વાંચે છે અને એ પતંગ કપાઈને બીજી વ્યક્તિ પાસે જાય છે ત્યારે તે પણ અંગદાન-જીવનદાનનો સંદેશો વાંચે છે. 


ડોનેટ લાઈફ દ્વારા દર વર્ષે “પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ”નું આયોજન કરવામાં આવે છે પરંતુ કોરોનાની મહામારીને કારણે સરકાર ની ગાઈડલાઈન મુજબ આ વર્ષે જાહેર કાર્યક્રમ ના કરતા અંગદાન-જીવનદાનના સંદેશ લખેલા પતંગોનું વિતરણ ઓર્ગન ડોનર પરિવારો, વિવિધ સામાજિક સંસ્થાઓ, હોસ્પિટલો, પોલીસ ડીપાર્ટમેન્ટ, પ્રશાસન, સુરત એરપોર્ટ ઓથોરીટી, પ્રેસ અને મીડિયાને કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૧૪ કિડની, ૧૭૬ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૯ હૃદય, ૨૬ ફેફસાં અને ૩૧૮ ચક્ષુઓ સહીત કુલ ૯૮૧ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૯૮ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

**********