ગુજરાતી અંગદાતાના 2 હાથનું ટ્રાન્સપ્લાન્ટ સફળ

રાજકોટ :ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાળાઅને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં સુરતના અંગદાતા સ્વ.ધાર્મિક કાકડીયાના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે યુવાનમાં કરવામાં આવ્યું હતું તે યુવાન અને તેના પરિવાર સાથે મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. 

હાથના ટ્રાન્સપ્લાન્ટ પછી તે યુવાનને જાણે સર્વસ્વ પાછુ મળી ગયું હોય એવી તેની લાગણી હતી. હાથના ટ્રાન્સપ્લાન્ટ પહેલા નિ:સહાય, લાચારી, મજબુર અને નાસીપાસ થયેલો યુવાન આજે જીવન જીવવા માટે ઉત્સાહિત હતો.ડોનેટ લાઈફની ટીમ સાથેની વાતચીતમાં તેને ધાર્મિકના માતા-પિતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓના નિર્ણય થકી આજે મને હાથ મળ્યા છે અને નવુંજીવન મળ્યું છે. હું તેમનો ખુબ જ આભાર માનું છું,ધાર્મિકના માતા-પિતાને સંદેશો આપવા માંગું છું કે તમારો દીકરો ધાર્મિક તેના હાથ થકી મારી સાથે જીવી રહ્યો છે અને હું પણ તેમનો જ દીકરો છું,તેના હાથ વડે હું સતકાર્યો કરી સમાજમાં અંગદાન માટે જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરીશ.